તોફાનને સમર્પી, અણછાજતી મહત્તા
tofanne samarpi, anchhaajatii mahattaa


તોફાનને સમર્પી, અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે!
હોડીનું એક રમકડું, તૂટ્યું તો થઈ ગયું શું?
મોજાંની બાળહઠ છે, સાગર! ક્ષમા કરી દે!
હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ,
પળપળની યાતનાઓ, પળપળની વેદનાઓ;
તારું દીધેલ જીવન, મૃત્યુ સમું ગણું તો,
મારી એ ધૃષ્ટતાને ઈશ્વર, ક્ષમા કરી દે!
કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની;
અર્થાત જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા,
પહેરી ઉદારતાનું બખ્તર, ક્ષમા કરી દે!
કાંટો છે લાગણીનો, વજનો છે બુદ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ;
હે મિત્ર! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે!
તું એક છે અને હું એક શૂન્ય છું પરંતુ,
મારા જ સ્થાન પર છે નિશ્ચિત જગતનાં મૂલ્યો;
એથી જ ઓ ગુમાની! જો હું કહું કે તું પણ
મારી દયા ઉપર છે નિર્ભર, ક્ષમા કરી દે!



સ્રોત
- પુસ્તક : શૂન્યની સૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 25)
- સર્જક : શૂન્ય પાલનપુરી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2010
- આવૃત્તિ : સંવર્ધિત આવૃત્તિ