—તો કહું!
—to kahu
રાજેન્દ્ર શુક્લ
Rajendra Shukla
લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું!
આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું!
શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઈ થોડું ખળભળાવે તો કહું!
હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું!
કોઈને કહેવું નથી, એવું નથી,
સ્હેજ તૈયારી બતાવે તો કહું!
સ્રોત
- પુસ્તક : લઘુ ગઝલસંહિતા (પૃષ્ઠ ક્રમાંક 1)
- સર્જક : રાજેન્દ્ર શુક્લ
- સંપાદક : અનિરુદ્ધસિંહ ગોહિલ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2022