tej ambare najar lagi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તેજ-અંબારે નજર લાગી

tej ambare najar lagi

વિશ્વરથ વિશ્વરથ
તેજ-અંબારે નજર લાગી
વિશ્વરથ

તરસને ઝાંઝવાંના એક અણસારે નજર લાગી;

વિરહને ચાંદનીના સોળ શણગારે નજર લાગી.

કમળને સાંધ્યના રંગીન અંધારે નજર લાગી;

કુમુદને પણ ઉષાના તેજ-અંબારે નજર લાગી.

નજર લાગી હજારો વાર હળવા-ફૂલ હૈયાને;

કહો પાષાણ-દિલને કોઈની ક્યારે નજર લાગી?

ચકોરીએ નજર ઊંચી કરીને મીટ માંડી, ત્યાં

શશીની પાંપણોના રમ્ય પલકારે નજર લાગી.

અમારી નાવડીની કમનસીબી શી કહું તમને?

બચી મઝધારથી તો છેક ઓવારે નજર લાગી.

પ્રથમ ઉપચાર હું કોનો કરું, સમજાવશો કોઈ?

હૃદય ને આંખડી બન્નેયને હારે નજર લાગી.

લથડિયું ખાઈને આકાશથી ગબડી પડ્યો તારો;

ધરા પરથી શું એને કોઈની ભારે નજર લાગી?

દીવાનો 'વિશ્વરથ' ઘૂમી વળ્યો નવખંડમાં, તોપણ -

નથી એને સફરમાં ક્યાંય તલભારે નજર લાગી.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4