તસવીરમાં…
tasviirmaan...
બ્રિજેશ પંચાલ
Brijesh Panchal
બ્રિજેશ પંચાલ
Brijesh Panchal
ધ્યાનથી જો કોઈ દેખાતું નથી તસવીરમાં,
અર્થ એનો, કૈંક તો બાકી હજી તસવીરમાં.
માણસોને બાંધી રાખે જિંદગી આ ક્રમ મુજબ,
ગર્ભથી સીધા જ દુનિયામાં પછી તસવીરમાં.
મેં ઉપરનો કાચ એવું માનીને ફોડી દીધો,
ગૂંગળામણ કોઈને થાતી હતી તસવીરમાં.
ઓ... સમય અસ્તિત્વને તારા ટકાવી રાખવા,
એક ક્ષણ મારેય જો પૂરવી પડી તસવીરમાં
ભીંત પર લીલોતરી ઊગશે એ નક્કી છે 'મધુર'
ઘેર લાવ્યો છું હું એક વહેતી નદી તસવીરમાં.
સ્રોત
- પુસ્તક : મૌનથી શબ્દમાં કાણું પડશે (પૃષ્ઠ ક્રમાંક 96)
- સર્જક : બ્રિજેશ પંચાલ
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
- વર્ષ : 2025
