taramaitrak - Ghazals | RekhtaGujarati

તારામૈત્રક

taramaitrak

કલાપી કલાપી
તારામૈત્રક
કલાપી

વિજળી શો થયો આ શો ઝબકારો જલની મહીં?

ઉડતાં હંસ ચોંકીને પાંખો એ નભમાં ચડી. ૧

નેત્રો ઉડે હંસનિ સાથ ઊંચે અહા તંહીં કૈં વચમાં મધૂરૂં!

ના ચાલતી આંખ હવે અગાડી જરા ચડી ત્યાં જ ઠરી ગઈ તે. ૨

માથે બેડૂં લઈ ઊભી સામે કો નવયૌવના,

મુખે છે હસ્ત એ ન્હાનો ઝરી સ્વેદની લૂછવા. ૩

એનૂં જ બિમ્બ જલમાં પડિને ઊડ્યૂં’તૂં

એથી જ વ્યર્થ ડરિ હંસ ગયેલ ઊડી;

એ વીરનાં નયન એ જ ચડાવનારૂં,

લૂટી જનાર દ્રવતૂં ઉર એ જ, એ, એ! ૪

જેને નિહાળિ નયનો ઠરતાં હતાં ત્યાં

તેનો જ હંસ બનવા દિલ હાલ ઈચ્છે;

તેના જ પાદ મહિં પાંખ પડી ગઈ સૌ,

તેને જ કાજ ઊરતખ્ત થયૂં જ ખાલી. ૫

સ્તમ્ભી જરી વદન એ નવ કોણ જોશે?

ચાલ્યાં જશે નયન એ નિરખ્યા વિના કો?

એવી ન કાર્ય તણિ કાંઈ જ તીવ્રતા છે,

કર્તાતણો અંહિં ન જે ઉપકાર ગાશે. ૬

સૌન્દર્ય આવું ધરતી ઊપરે નિહાળી

હર્ષે ક્યૂં હૃદય ના મગરૂર થાશે?

તો છો યુવાન પણ આ નિજ આંખ ઢાળે,

છો પાંખને નવિન આ લહરી ઊરાડે. ૭

હજી એ કન્યા છે નવિન મૃદુ કો પુષ્પ ખિલતૂં,

કંહીં પાંખો ખીલી, કંહિં હજૂ બિડાઈ કંહિં ખિલે;

સુગન્ધીની વેળા મધુતર હશે કોઈ જ નહીં;

સુરંગોની લક્ષ્મી વધુ વળિ હશે સુન્દર કંહી? ૮

જે ક્રીડા મૃદુ ઊગ્રતા સભરતા લાવણ્ય જાદૂભર્યાં

રૂપે યૌવનની સ્વતંત્ર રસિલી મૂકી દશા જે શકે,

તે કો તાનમહીં ઊંડા હૃદયના એકાગ્રતા ધારતાં,

જોનારાં નયનો અને ઉર નહીં એકાગ્ર કોનાં કરે? ૯

વિનિમય મધુ એવો યોધ સાધી રહ્યો છે,

પૂરમહિં ઊર વ્હેવા છૂટ છે પૂર્ણ પામ્યૂં;

ખડક જગત કેરૂં આજ પાણી થઈને

વિપુલ રસતણા કો ધોધમાં જાય ચાલ્યૂં. ૧૦

ભરે છે દૂર ત્યાં વારિ કન્યાની સખિ તો હજી,

ફરે છે તીરની કુંજે ભોળી એ મૃદુ આંખડી. ૧૧

થોભી ઉભી જરિક એ સખિ કાજ બાલા,

પ્હાની રહી પગતણી જરિ એક ઊંચે;

તેને અડી ફરફરે અનિલે નિમાળા,

બેડા પરે અલક એક વિંટાઈ ઊડે. ૧૨

સામે જ ગૌર મુખ છે સ્થિરતા ધરીને

ને નેત્ર કાંઈ તિરછાં બનતાં ફરે છે;

પ્હોંચી હતી નજર એ ત્યંહિં યોધ પાસે

જ્યારે હતાં નયન હંસ પરે ઠરેલાં. ૧૩

પાદ ને આંખડી એ તો હતાં ત્યાં સ્થિર થૈ રહ્યાં;

હૈયાનાં આંસુડાં મીઠાં સામેની છબિએ ઢળ્યાં. ૧૪

મનહર છબી ભાળી નેત્રે અને હૃદયે ઢળી,

પરવશ થતાં લ્હેરી મીઠી નસેનસમાં ચડી;

હૃદય કુમળૂં એ યોદ્ધામાં જડાઈ ગયૂં, અને

સહુ અરપવા, અર્પી દીધૂં છતાં, અધિરૂં બને. ૧૫

યોદ્ધાની તો નજર હજિ છે ત્યાંજ ચોંટી રહેલી,

તો યે તાજૂં તન મન થતૂં સૂચવે આંખ કાંઈ;

‘હૂં એવૂં એ’ –ઉર સમઝિ એ કાંઈ આનન્દ માને,

સંસારીને પ્રણયસુખની એ જ સીમા અંહીં છે. ૧૬

ક્ષણ થઈ અને બાલાનાં એ ઢળી નયનો જતાં,

પણ સુરખિ કો ગૂલાબી શી છવાઈ કપોલમાં;

ધડ ધડ થતૂં હેયૂં લોહી વહાવિ રહ્યૂં બધે,

થર થર થતાં ગાત્રો સર્વે ધ્રુજે બનિ મુગ્ધ છે. ૧૭

જાદૂભર્યાં નેત્ર વહાવિ જાદૂ કો અન્યના જાદુમહીં ફસાતાં;

તે જાદુનૂં ઝેર ઉતારવાનૂં કોની કને ઓષધ કૈં મળે ના. ૧૮

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
  • વર્ષ : 1931