tamne - Ghazals | RekhtaGujarati

હજી તો સંભળાવી છે ફક્ત પ્રસ્તાવના તમને,

હજી પણ ક્યાં કહી છે મેં અહીં કોઈ કથા તમને.

મને છાતીમાં દુખતું હોય ને માથું દુખે તમને,

ખુદાએ આપી છે મારાથી ઊંચી વેદના તમને.

તમારી આજુબાજુમાં રચાતી જાય છે સૃષ્ટિ,

ખરેખર મારે જોવાં હોય છે બસ, એકલાં તમને.

ઊભો છું મંચ પર હું ને તમે બેઠાં છો શ્રોતામાં,

કશું બોલુ છું હું ને દાદ આપે છે સભા તમને.

ખરેખર કોણ છે જે મૃત્યુનું વરદાન આપે છે,

ખબર ક્યાંથી પડે કે લાગશે જીવન સજા તમને.

સ્રોત

  • પુસ્તક : ભરતકામ (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સર્જક : ભરત વિંઝુડા
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2020