તમે મઝધારમાં શું જોઈ નૌકા લાંગરી બેઠા
tame majhdhaarmaan shun joii naukaa laangarii bethaa
અમૃત ઘાયલ
Amrut Ghayal
તમે મઝધારમાં શું જોઈ નૌકા લાંગરી બેઠા
tame majhdhaarmaan shun joii naukaa laangarii bethaa
અમૃત ઘાયલ
Amrut Ghayal
અમૃત ઘાયલ
Amrut Ghayal
તમે મઝધારમાં શું જોઈ નૌકા લાંગરી બેઠા?
અમારે તો ઠરીને ઠામ થાવું'તું, ઠરી બેઠા.
અમોને આવડ્યું એવું જીવનમાં આચરી બેઠા,
કદી ઘરને વસાવ્યું : ઘર કદી ખાલી કરી બેઠા.
જખમ કારી હતા કિંતુ જિગરમાં સંઘરી બેઠા,
ગુલાબી ફૂલદાનીમાં અમે કાંટા ભરી બેઠા.
જવાનીની મઝા માણી ન માણી કે મરી બેઠા,
જમાનાની હવા લાગી ન લાગી કે ખરી બેઠા.
ન મટકું મારવા દીધું અગમ કેરા અજંપાએ,
કદી પાંપણ, કદી ઘેઘૂર આંખો પાથરી બેઠા.
હતી દીવાનગીમાં રોદણાં રોવાની ક્યાં ફુરસદ?
હૃદય આવ્યું ભરાઈ તો હસી હળવું કરી બેઠા.
અવરની જેમ કરતાં આવડી ના પેરવી અમને,
અમે ચાલ્યા ન ચાલ્યા ત્યાં જ ચીલો ચાતરી બેઠા.
અનાદિકાળથી આવું જગતમાં બનતું આવ્યું છે,
નવાઈ શી અમારા જો અમારાથી ફરી બેઠા?
વમળ હો કે કિનારો, કોઈને તેનાથી શું, ‘ઘાયલ’!
અમારે નાવ નાંગરવી હતી, નાંગરી બેઠા.
સ્રોત
- પુસ્તક : પ્રતિનિધિ કાવ્યો અમૃત ઘાયલ (પૃષ્ઠ ક્રમાંક 41)
- સંપાદક : સંજુ વાળા
- પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ
- વર્ષ : 2023
