રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતમારી યાદમાં મુજને જીવન ભાસ્યું જીવન જેવું
tamari yaadoma jivan bhasyu mane jivan jevu
તમારી યાદમાં મુજને જીવન ભાસ્યું જીવન જેવું,
વૃથા ઉત્પાત પરવારી અમન પામ્યો અમન જેવું.
મળી નજરોથી નજરો ત્યાં જ દુનિયા દિલની પલટી ગઈ,
ભરેલું છે તમારી આંખમાં શું સંવનન જેવું.
યદિ મારી નજર સામે તમે છો તો બધું યે છે,
તમારા વિણ મને આ વિશ્વ લાગે છે વિજન જેવું.
ફક્ત એક દિલ હતું તે પણ તમારું થઈ ગયું ચાહક,
રહ્યું ના કોઈપણ મારું હવે વિશ્વે સ્વજન જેવું.
વિતાવી આગમન–આશા મહીં રાતોની રાતો મેં,
છતાં દર્શન તો દર્શન, પણ ન દીઠું કૈં સ્વપ્ન જેવું.
તમોને દિલ તો શું અસ્તિત્વ પણ અર્પણ કરી દીધું,
હવે મુજ પાસ ક્યાં છે કંઈ મરણ જેવું જીવન જેવું.
તમારે દ્વાર આવીને અહર્નિશ એ જ યાચું છું,
પ્રણય–ગુણગાન ગાવાને કવન આપો કવન જેવું.
છુપાયેલી મઝા છે ઓ ‘ખલીલ’! એની વ્યથા માંહે,
નથી હોતું પ્રણયમાં કંઈ દરદ, દુઃખ કે દમન જેવું.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી પ્રતિનિધિ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 30)
- સંપાદક : ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 2008