thai gayun - Ghazals | RekhtaGujarati

અતિશય બધુંયે સહજ થઈ ગયું છે,

બ્રહ્માંડ જાણે કે રજ થઈ ગયું છે.

ઉનાળુ મધ્યાહ્ન માથે તપે છે,

બધું કોઈ મૂગી તરજ થઈ ગયું છે.

હું તડકાના કેન્વાસે ચીતરું છું કોયલ,

ઘણું કામ એવું, ફરજ થઈ ગયું છે.

છે દેવાના ડુંગર શાં તોતેર વર્ષો,

કે અસ્તિત્વ મોટું કરજ થઈ ગયું છે.

‘અનિલ’, વિસ્તર્યું મૌન તડકારૂપે, આ,

મને માપવાનો ગજ થઈ ગયું છે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 102)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004