તડકો સીધો ઘરમાં આવે
Tadko Sidho Ghar ma Aave
સ્નેહી પરમાર
Snehi Parmar

વાત અસલ કાગળમાં આવે
શબ્દો ત્યાં તો વચમાં આવે
એનાથી મોટો શો વૈભવ!
તડકો સીધો ઘરમાં આવે
ભીતર ભીનું સંકેલો, ત્યાં
આંખોમાંથી પડમાં આવે
સાર બધા ગ્રંથોનો એક જ
પાથરીએ તે પગમાં આવે
તો માથે મૂકીને નાચું
ઘટઘટમાં, તે ઘટમાં આવે
પકડ્યો છે પડછાયો, સાધો!
અજવાળું શું બથમાં આવે!



સ્રોત
- પુસ્તક : યદા તદા ગઝલ (પૃષ્ઠ ક્રમાંક 41)
- સર્જક : સ્નેહી પરમાર
- પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
- વર્ષ : 2015