sajanwa - Ghazals | RekhtaGujarati

હાથમાં પકડ્યો તમારો હાથ તો લાગ્યું સજનવા

મન પ્રથમ વાર ઉઘાડી પોપચાં જાગ્યું સજનવા

કલમ ને કાળની કેડીઓ કજરારી સજનવા

ને વધારામાં સફર આખીય અણધારી સજનવા

આપણા મૌનથી વાત સમજાણી સજનવા

શબ્દથી ક્યારેક પર થઈ જાય છે વાણી સજનવા

મન અમારું સાવ કાચી કોડીલી સજનવા

કેવી રીતે જાળવે દર્પણની આમન્યા સજનવા

હળુ વાતો પવન ને ગામ ઊંઘરેટું સજનવા

આપનું ઘર એક સપના જેટલું છેટું સજનવા

સાંજ ટાણે બહુ કનડશે બોલકી શેરી સજનવા

હું તમે આપેલ ચૂપકદી લઈશ પહેરી સજનવા

ના કશાનું જ્ઞાન, નવ કો શાસ્ત્રના પંડિત સજનવા

બસ નર્યા વિસ્મયની વાણીથી અમે મંડિત સજનવા

એકદી અમથો જરી વાગ્યો હતો કાંટો સજનવા

ઓગળીને થઈ ગયો આજ સન્નાટો સજનવા

આપનું વર્ણન જો કરવા જાઉં હું સાચું સજનવા

કાવ્ય રહી જાયે કાલું ઘેલું ને કાચું સજનવા

આપ સામે આપની વાતો થઈ શકતા સજનવા

એક મત્લા કહીને તુર્ત કહી દીધો મક્તા સજનવા

બધાં શબ્દો બધાં સ્મરણો બધાં સપનાં સજનવા

આટલે પહોંચ્યા પછી શા આપણે ખપનાં સજનવા?

મનને માથું મૂકવા દો આપની ડોકે સજનવા

જેથી ઝોકે ચડે તો કોઈ નહીં ટોકે સજનવા

શબ્દને શોભે નહીં કાગઝી વસ્ત્રો સજનવા

આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા

પૂર્વમાં પ્રજળે પીડા દક્ષિણમાં દાવાનળ સજનવા

મળવું હો તો દિશાચક્રોની બાહર મળ સજનવા

જે કંઈ હો સત્વરે ને સદ્ય હાજર કર સજનવા

ગદ્ય અથવા પદ્ય અથવા મદ્ય હાજર કર સજનવા

શોધવા મુજને લો રણ, લો જળનો રાશિ લો સજનવા

સીમના એકકેક ટહુકાની તલાશી લો સજનવા

બે અમારાં દ્રગ સજનવા, બે તમારાં દૃગ સજનવા

વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખું જગ સજનવા

સંતરાનાં કેસરી ફોરાંઓ પડતાં હો સજનવા

આપણે છત્રી વગર બાહર રખડતાં હો સજનવા

વિસ્મયી વાદળ ઉડાડે ઘેનના ગોટા સજનવા

કોણ પરવા રાખે સાચા છે કે ખોટા સજનવા

આંખ ખુલ્લેઆમ તમને સોંસરું જોતી સજનવા

પંખીઓને પાળની પરવા નથી હોતી સજનવા

એકધારું રીતે એકીટશે દેખો સજનવા

દેખો કેવા ઊકલે છે સૌ શિલાલેખો સજનવા

આપનાં લોચનમાં અડધી રાત તક જાગ્યો સજનવા

હું વીતેલા વીસ સૈકા ભૂલવા લાગ્યો સજનવા

અન્તરિક્ષ આખું એણે એશથી ઓઢ્યું સજનવા

વક્ષ મધ્યે જે વિરહવ્યાકુલ મન પોઢ્યું સજનવા

ક્યાં ઊતરવું ક્યાં જવું ક્યાં નાખવા ધામા સજનવા

જણ હતું એક ને એનાં લાખો સરનામાં સજનવા

ને હજારોનાં હજારો સામટાં હરણાં સજનવા

તીર અડતાં થઈ ગયાં કેવાં હરિતવરણાં સજનવા

ચૂવે નક્ષત્રો પવન ફૂંકાય ઋગ્વેદી સજનવા

ભયથી થરથરતું ભીતર ભાસે બહુ ભેદી સજનવા

આંખને ઘેરી વળે ઘેઘૂર અંધાપો સજનવા

ને પછી મેદૂર કલરવનો ખૂલે ઝાંપો સજનવા

નજર ટકરાઈ ને ઊડ્યો જરી તણખો સજનવા

ને નિરખવા કેટલો ભેગો થયો મનખો સજનવા

અવસ્થામાં અટારી હોય છે પુષ્પક સજનવા

સંગ ઉડવાની કરો આપ જો રકઝક સજનવા

દૂરથી આપે વહાવી ક્ષણ જે વૈશાખી સજનવા

મેં જિહ્વાની લેશ પણ અડચણ વગર ચાખી સજનવા

આભને પળમાં બનાવી દે તું પારેવું સજનવા

થઈ જશે ભરપાઈ પૃથ્વીનું બધું દેવું સજનવા

ફરફર્યા લો વાવટા દામ્પત્યના વરવા સજનવા

ચંદ્રને ચોથે ખૂણે બંધાયા ચંદરવા સજનવા

આભ અંધારાયેલું છે ને ધરા ધૂસર સજનવા

આવ પૂરો કર ઋતુનો રમ્ય આડંબર સજનવા

દૂરથી જો આપને નીરખ્યા ઉપરછલ્લા સજનવા

નાસિકા પર રાતરાણીના થયા હલ્લા સજનવા

પ્રેમ પાણીપતમાં કર, કુરુક્ષેત્રે કર ક્રીડા સજનવા

જા, ધસી જા, મ્યાનમાં લઈ પાનાનાં બીડાં સજનવા

હાથ અડતાં નીતર્યું જળ થઈ જશે ડહોળું સજનવા

આપની સરકેલ વીંટી શી રીતે ખોળું સજનવા

સહેજ ઢોળાઈ જવા દો, સહેજ લો વીણી સજનવા

હું શિખર પર જાઉં ને ફૂટે છે શિખરિણી સજનવા

ખાલીખમ રણમાં રેતીનો ઉછાળ આવ્યો સજનવા

પાણીના પુલો ચણી દેવાનો કાળ આવ્યો સજનવા

ફેંકી દે મુગટો, ફગાવી નાખ સિંહાસન સજનવા

છુટ્ટે કેશે ભોંય પર બેસીને કર શાસન સજનવા

કોઇએ ઇચ્છી હો એવી કદી થઈ જા સજનવા

તીખી તૂરી તામસી ને તળપદી થઇ જા સજનવા

ગાલે તલ આંખોમાં જલ હોઠે કંવલ લઈ ચલ સજનવા

હો મજલ લાંબી તો ભાથામાં ગઝલ લઈ સજનવા

ત્યારથી તે આજ લગ મુજ આંખની સામે સજનવા

તારામાંથી ધીમે ધીમે તું પ્રસવ પામે સજનવા

વટ વ્યસન કે વેર સહુ વહાલપને વશ થાશે સજનવા

પણ શરૂમાં થોડી થોડી કશ્મકશ થાશે સજનવા

એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ દસ સજનવા

ચાહવા માટે ગણતરી આટલી છે બસ સજનવા

તેં બહારોમાંથી લઈ લઈને રચ્યા બીજા સજનવા

મૂળ તો છે ફક્ત રા ના પી લી વા ની જા સજનવા

ખાલી હો તો પછી તારી ઓઢણી લઈ લે સજનવા

હાથ સાથે હો તો કિંમત સો ગણી લઈ લે સજનવા

બૂમ પાડીને તેં બોલાવ્યો ને હું આવ્યો સજનવા

બાકી રહેવા દઈ અધૂરાં સૌ મહાકાવ્યો સજનવા

અંદરોઅંદર જળની દોડાદોડી છે સજનવા

હું છું, તું છે, ને હિલોળા લેતી હોડી છે સજનવા

બાગમાંથી મત્ત થઈને પાછા સૌ ફરશે સજનવા

રાતરાણીનું રુદન કોઈ સાંભળશે સજનવા

જ્ઞાનપ્રાપ્તિની ભલેને ના પડી આદત સજનવા

એક સારસ જોઈને થઈ જઈશું સારસ્વત સજનવા

હાથમાં હો આપના ઝળહળતી એક શમ્મા સજનવા

ને અમારા ઘાસના ઘરને ઘણી ખમ્મા સજનવા

કે અવેજીમાં તમારી નહીં છાજે સજનવા

અંત લાવી દો કવન આયખાનો આજે સજનવા

આજ દરિયાઓની દાનત પર પડે છે શક સજનવા

ક્યાં ઊડે છોળો ને ક્યાં જઈ વાગતી છાલક સજનવા

કેવી આકસ્મિક પરસ્પરની હતી માયા સજનવા

જાણે મધદરિયે કોઈ બે વહાણ ટકરાયાં સજનવા

ત્યારથી એવી ચલી છે તેજ પુરવાઈ સજનવા

ઝૂંપડાં ઊભાં અને મહેલો ધરાશાયી સજનવા

ક્યાંક કત્લેઆમ, ક્યાંક આરામ ફરમાવો સજનવા

બેમાંથી શેમાં છે મારું નામ! ફરમાવો સજનવા

આપને ચરણે ધરી દઈએ તો લાનત છે સજનવા

અધૂરપ કોઈ બીજાની અમાનત છે સજનવા

છે કશીક કંઈ એવી કાયા કસુંબલમાં સજનવા

જાન સામેથી લૂંટાવા ચાલી ચંબલમાં સજનવા

અર્થ જીવતરનો ભલે પકડાય ના આખો સજનવા

પણ વગર સમજ્યે પાનું ફેરવી નાખો સજનવા

કોઈ પણ રીતે થશે સંબંધની રક્ષા સજનવા

કેન્દ્ર નહીં બદલાય, છો બદલો ભ્રમણકક્ષા સજનવા

સારું કે નિકટતામાં ઉન્માદો સજનવા

પણ કદીક વચ્ચેના અંતરને આસ્વાદો સજનવા

હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા

પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા

હા, સમુદ્રોમાં આવે ઓટ ને ભરતી સજનવા

પણ સમુદ્રોને નથી હોતાં વશવર્તી સજનવા

ઘાવ તો કરશે ઝરણ ને ઝાડ ને ઝાકળ સજનવા

પણ ફગાવી નાખવાં પડશે કવચ-કુંડળ સજનવા

કોરા અંતરપટનાં કંઈ ઓછાં નથી કામણ સજનવા

આપણે નાહક ઉપર શાં કરવાં ચિતરામણ સજનવા

જે હો પુરવાર તે સઘળું નથી કંઈ છળ સજનવા

આંખથી આગળનું જોતી હોય છે અટકળ સજનવા

દૂરથી તડકો હશે ને નિકટથી ભડકો સજનવા

સૂર્યને અબ આપની શક્તિ મુજબ અડકો સજનવા

પારધી લાખો ને આગળ પાંચ દસ હરણો સજનવા

આટલાં સહેલાં છે જીવતરનાં, સમીકરણો સજનવા

પારખો અજવાસ દ્રષ્ટિ રાખીને તીણી સજનવા

જ્યોત તો હંમેશ હોવાની બહુ ઝીણી સજનવા

ડર નિકટતાનો હો તો ના જશો આઘા સજનવા

બર્ફના થોડા હિમાલય પર પડે ડાઘા સજનવા!

આપની સંગતમાં શાની હોય અગવડતા સજનવા!

મેં નિભાવી છે ઘણાયે પ્રાસની જડતા સજનવા

તપને અંતે તપ કરવાની રજા માગી સજનવા

એક વૈરાગીને કેવી ક્ષુધા જાગી સજનવા

આજ કંઈ એવી કુશળતાથી રમો બાજી સજનવા

જીતનારા સંગ હારેલા હો રાજી સજનવા

મેં સળગતાં વર્ષોનો અણસાર એક આપી સજનવા

એકલી કેન્ડલ જલાવી, કેક નહીં કાપી સજનવા

સાવ અલગ રીતે મુહબ્બતને છતી કરીએ સજનવા

આપને મળવાની સઘળી તક જતી કરીએ સજનવા

કાંઠે વસનારા સ્થળ છોડી તરત ભાગે સજનવા

ખુદ નદીને પૂરનો ડર શી રીતે લાગે સજનવા

એવું તો નહોતું લખ્યું જન્મપત્રીમાં સજનવા

કે શિયાળામાં રહેવું પડશે છત્રીમાં સજનવા

ક્યાં તમે કે પાણીથી સો ગાઉ છો હેઠાં સજનવા

ક્યાં અમે, સો વાંસ ઊંડા ઊતરી બેઠા સજનવા

મેં નરી નક્કોર રેતી એક દિ ચાખી સજનવા

જળનું જાજરમાન જોખમ જાન પર રાખી સજનવા

હાથમાં દરિયાઓ રાખીને દઈશ દસ્તક સજનવા

ના મળે ઉત્તર તો ચાલ્યો જઈશ નતમસ્તક સજનવા

ખાલી કૂવાનાં અને કોરી પરબનાં છે સજનવા

બધાં સપનાંઓ રાબેતા મુજબનાં છે સજનવા

અંતકાળે આંખમાં આંસુનાં જામ આવ્યાં સજનવા

આજીવન તરસ્યા રહ્યા–નાં પુણ્ય કામ આવ્યાં સજનવા

દીર્ઘ છે પૂર્વેનું દુઃખ ને પીડા પાછળની સજનવા

છે પ્રલય પ્રક્રિયા તો માત્ર બે પળની સજનવા

આપણે નહીં પામીએ તો આપણે કાચાં સજનવા

જે નથી સરવરો તો છે વધુ સાચાં સજનવા

ભરહથેળી પર તમારા નામનાં વેલા સજનવા

ને સવારે બેઉ કાંડાંઓ કપાયેલાં સજનવા

રણ અને દરિયાઓ અંગેની બધી સમજણ સજનવા

જૂઠ ઠેરવશે અને ચાલ્યું જશે એક જણ સજનવા

રથ ભલે ચાલ્યા ઉડાડી ધૂળના ગોટા સજનવા

કેડીઓનો તો બહુ છે બે’ક લીસોટા સજનવા

ખોખલાં ખંડેર ને બિસ્માર મેદાનો સજનવા

પટ ઝુરાપાનો હવે આજે નથી નાનો સજનવા

તાપમાં આવું બનતું હોય છે લગભગ સજનવા

સાગરો સૂકાય ને રહે છે લવણના ઢગ સજનવા

અચાનક કાલ સુધીનો સોદાગર સજનવા

વારતામાં આવે એમ થઈ ગયો બેઘર સજનવા

ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા

આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા

રીતે તારા સ્મરણમાંથી છૂટી જાઉં સજનવા

કાચની પૂતળીને આલિંગી તૂટી જાઉં સજનવા

જ્યાં ભર્યા'તા તારા કોરા કેશના કિસ્સા સજનવા

આજ ખમ્મીસનાં ખાલી છે સૌ ખિસ્સાં સજનવા

સ્રોત

  • પુસ્તક : તાજા કલમમાં એ જ કે (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સર્જક : મુકુલ ચોક્સી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2001