lai jay chhe - Ghazals | RekhtaGujarati

લઈ જાય છે

lai jay chhe

બેબાક રાંદેરી બેબાક રાંદેરી

પ્રેમ સાથે પ્રેમમય વાતાવરણ લઈ જાય છે,

સૂર્ય જ્યાં-જ્યાં જાય છે સાથે કિરણ લઈ જાય છે.

ફૂલની સૌરભ અગર તો ફૂલની સુંદર અદા,

ફૂલને બહુધા ચમનથી દૂર પણ લઈ જાય છે.

કંઈક આકર્ષણ અનેરું ત્યાં છે જેને લીધે,

હું સુરાલયમાં નથી જાતો, ચરણ લઈ જાય છે.

રેહબરો જ્યાં હોય ઝાઝા થાય તે ગુમ કાફલો,

કાફલો મંજિલ ઉપર એકાદ જણ લઈ જાય છે.

મોતની એથી પ્રતીક્ષા હું કરું છું હરપળે,

એમની પાસે જીવન નહિ પણ મરણ લઈ જાય છે.

જિંદગીમાં દુશ્મનોનો પણ સદા ઋણી રહીશ,

દુશ્મનો મારા જીવનમાંથી દૂષણ લઈ જાય છે.

શાંત શીતળ ચાંદની રેલાવતી ચંદ્રિકા,

જિંદગીના સાગરોનાં ચેન પણ લઈ જાય છે.

ઉતારા પર હજી તો ઘોર કાળી રાત છે,

રાત પાસે તુંય ક્યાં અંતઃકરણ લઈ જાય છે!

માર્ગદર્શકનો કદી ઉપકાર હું લેતો નથી,

જાઉં છું 'બેબાક' જ્યાં અંતઃકરણ લઈ જાય છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 160)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4