હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે,
મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને આંખો રુદન માટે.
ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાં એનો?
અનોખા તારલા છે એ, તું રહેવા દે ગગન માટે.
યુગે યુગથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું,
હવે કોઈ નવી દૃષ્ટિ મને આપો નયન માટે.
સુધારા કે કુધારા ધોઈ નાખ્યા અશ્રુધારાએ,
ઊભો થા, જીવ, આગળ સાફ રસ્તો છે જીવન માટે.
અનાદિ કાળથી એના વિરહમાં એ દશા છે કે,
રુદનમાં બંધ આંખો થઈ અને ઊઘડી રુદન માટે.
હૃદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી?
બળીને પથ્થરો જો થાય છે સૂરમો નયન માટે.
તમે જે ચાહ્ય તે લઈ જાવ, મારી ના નથી કાંઈ,
તમારી યાદ રહેવા દો ફક્ત મારા જીવન માટે.
દયા મેં દેવની માગી તો ઉત્તર એ મળ્યો ત્યાંથી,
ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે.
મને પૂછો મને પૂછો – ફૂલો કાં થઈ ગયા કાંટા?
બગીચામાં તમે આવી ઊભાં છો, ગુલબદન, માટે.
વિચારી વાંચનારા વાંચશે, ને સાફ કહેશે કે,
ગઝલ 'શયદા'ની સાદી સાવ છે, પણ છે મનન માટે.
સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 23)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
- વર્ષ : 1961