સુરાલયમાં
suralayma
અઝીઝ કાદરી
Aziz Qadri

અમે પ્યાલાની વાટે વેદના ખાળી સુરાલયમાં
નજર સાકીની જ્યારે જોઈ હુંફાળી સુરાલયમાં
જમાનાની નજર લાગી જવાનો ડર હતો દિલમાં
તરસને લઈ ગયો હું ખૂબ સંભાળી સુરાલયમાં
શરાબીનો નશો ઓછો થવાની શક્યતા ક્યાં છે?
છબી નજરે ચઢી છે એક રૂપાળી સુરાલયમાં
તને અલ્લાહના સમ આપ વાઇઝ પ્રશ્નનો ઉત્તર
ગયું છે કોણ મસ્જિદમાંથી કંટાળી સુરાલયમાં
જનાઝો એનો કબ્રસ્તાનમાં લઈ જઈને શું કરશો
અઝીઝે જ્યારે આખી જિંદગી ગાળી સુરાલયમાં



સ્રોત
- પુસ્તક : તરસ (પૃષ્ઠ ક્રમાંક 46)
- સર્જક : અઝીઝ કાદરી
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1997