pratham tame aa badhaathii thodaa alag pado, to majaa padii jaay - Ghazals | RekhtaGujarati

પ્રથમ તમે આ બધાથી થોડા અલગ પડો, તો મજા પડી જાય

pratham tame aa badhaathii thodaa alag pado, to majaa padii jaay

ગૌરાંગ ઠાકર ગૌરાંગ ઠાકર
પ્રથમ તમે આ બધાથી થોડા અલગ પડો, તો મજા પડી જાય
ગૌરાંગ ઠાકર

પ્રથમ તમે બધાથી થોડા અલગ પડો, તો મજા પડી જાય;

તમે મને જે કહ્યા કરો છો, તમે કરો તો મજા પડી જાય.

પીળાં પર્ણો સ્વયં ખસીને, નવાંની ડાળે જગા કરે છે;

હવે પહેલી હરોળમાંથી, તમે ખસો, તો મજા પડી જાય.

ઝરૂખે બેસી તમે લખેલી, સૂરજની ગઝલો સરસ છે કિન્તુ;

કદીક તડકો ઉઘાડા બરડે ઝીલી લખો, તો મજા પડી જાય.

રમું છું, જોઈને કહો છો, તમારે તો બસ મજા મજા છે;

તો મારા બદલે રમો બાજી, પછી કહો, તો મજા પડી જાય.

પતંગમાં જો પવન ભરાશે, પછી વજન દોરનુંય લાગે.

રમત સમજી પતંગ નીચે, ઉતારી લ્યો, તો મજા પડી જાય.

સ્રોત

  • પુસ્તક : તમને ગઝલ તો કહેવી છે (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : ગૌરાંગ ઠાકર
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2025