laabh shubh kyarek relaataa hataa aa baaraNe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લાભ-શુભ ક્યારેક રેલાતા હતા આ બારણે

laabh shubh kyarek relaataa hataa aa baaraNe

હર્ષદ સોલંકી હર્ષદ સોલંકી
લાભ-શુભ ક્યારેક રેલાતા હતા આ બારણે
હર્ષદ સોલંકી

લાભ-શુભ ક્યારેક રેલાતા હતા બારણે વાતને તો એક અરસો થઈ ગયો,

આવતા'તા છાંયડા મારાય ઘરના આંગણે વાતને તો એક અરસો થઈ ગયો.

આજ કૂંડામાં તરસ કણસ્યા કરે છે એકધારી કૈંક વરસોથી વળીને ગૂંચડું,

હા, કદી ભીનાશ મઘમઘતી હતી ખામણે વાતને તો એક અરસો થઈ ગયો.

વૃક્ષના થડ પર લખ્યા'તા નામ ને વૃક્ષના ટેકે ઘડી બેઠા હતા ને પછી,

એક ઘેરું મૌન લઇ છૂટા પડ્યા'તા આપણે વાતને તો એક અરસો થઈ ગયો.

આંગળીના ટેરવે બાઝેલ આછી યાદના ટેકે દિવસ આખો ગુજરતો'તો કદી

રાત પણ વીતી જતી'તી એટલા સંભારણે વાતને તો એક અરસો થઈ ગયો.

આપણે રસ્તા, નદી, દરિયા, પહાડો, જંગલો, આકાશ, ધરતી, ચંદ્ર, તારા ને સૂરજ,

હોંશપૂર્વક બધું બાંધ્યું'તું કાચા તાંતણે વાતને તો એક અરસો થઈ ગયો.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ