ek bhaumitik gajhal - Ghazals | RekhtaGujarati

એક ભૌમિતિક ગઝલ

ek bhaumitik gajhal

નયન હ. દેસાઈ નયન હ. દેસાઈ
એક ભૌમિતિક ગઝલ
નયન હ. દેસાઈ

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,

વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું.

હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કોણ માપક શોધીએ,

કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે

ને પછી મોતના બિંદુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,

શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

ક્ષિતિજથી તે ક્ષિતિજના બંધ દરવાજા થયા

કોઈ ઈચ્છે તોય અહીંથી બા’ર ક્યાં નીકળાય છે.

ગોળ ફરવા ગૈ તો અંતે એય વર્તુળ થૈ ગઈ

કે, હવે પૃથ્વીના છેડા ક્યાંય પણ દેખાય છે?

યાદ આવે છે ગણિત શિક્ષકના સોટીઓના સૉળ

સ્વપ્ન, શ્વાસો ને સંબંધો કોયડા થૈ જાય છે

હસ્તરેખા હોય સીધી, વક્ર કે આડી ઊભી

જિંદગીના પ્રમેયો કઈ રીતે હલ થાય છે?

સ્રોત

  • પુસ્તક : નયનનાં મોતી (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સર્જક : નયન દેસાઈ
  • પ્રકાશક : શબ્દોત્સવ
  • વર્ષ : 2005