nijanand - Ghazals | RekhtaGujarati

નિજાનંદ

nijanand

રંગ અવધૂત રંગ અવધૂત
નિજાનંદ
રંગ અવધૂત

પ્રભુ પરખ્યા હૃદે જેણે, ફરે ભમતો જગે શાને?

પીધું આકંઠ અમૃત તે કરે કાંજી વૃથા શાને? ટેક.

મળી વટવૃક્ષની છાયા, નિદાઘે તાડ કાં ઢૂંઢે?

ભર્યા કોઠાર રત્નોના ગૃહે, કાં પથ્થરો ફોડે? પ્રભુ૦

ગૃહે સુરધેનુ કાં દોડે ગૃહોગૃહ તક્રને માટે?

વહે ગંગા નિજાંગણમાં, ભમે રુએ શા માટે? પ્રભુ૦

શરદપૂનમ તણી રાતે, અકર્મી આગિયો ખોળે?

થવા ઉજાસ અંગણમાં, બપોરે દીપ પ્રજ્વાળે! પ્રભુ૦

શોધે મોર ચિતારો, કદી પિક 'રંગ' તંબૂરો;

કૃતાકૃતથી પરે બેસી, નિહાળે ખલ્કને રો રો! પ્રભુ૦

ખુશામત માળીની કદી ના કરે વસંત વનમાળી!

નિજાનંદે ફરે અવધૂત, દઈને મોતને તાળી! પ્રભુ૦

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942