shangar sami roj sajawi chhe balatra - Ghazals | RekhtaGujarati

શણગાર સમી રોજ સજાવી છે બળતરા

shangar sami roj sajawi chhe balatra

ભાવેશ ભટ્ટ ભાવેશ ભટ્ટ
શણગાર સમી રોજ સજાવી છે બળતરા
ભાવેશ ભટ્ટ

શણગાર સમી રોજ સજાવી છે બળતરા

તહેવારની જગ્યાએ મનાવી છે બળતરા!

રીતે ઘણી વાર છુપાવી છે બળતરા

મેં સ્મિતના ચૂરણથી પચાવી છે બળતરા

ક્યારેક પવન વાઈ ગયો સંતપણાનો

બેચાર ક્ષણો માટે ઉડાવી છે બળતરા

અથડાઈ ગઈ ક્યાંક ખુશી કોઈ પરાઈ

રસ્તેથી પછી ઘર સુધી આવી છે બળતરા

ભડથું જો થઈ જાય તું, જાણી શકે કોઈ

તેં ચારે તરફ એમ ચણાવી છે બળતરા

જો વાગી ગયો ક્યાંકથી યે કાંટો હરખનો

તો કોઈ મલમ જેમ લગાવી છે બળતરા

સાવ કોઈ દંભી મને પુરવાર કરીને

એણે તો સહજતામાં ખપાવી છે બળતરા

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.