swapn kyan mota gajanun joie? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ?

swapn kyan mota gajanun joie?

ચિનુ મોદી ચિનુ મોદી
સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ?
ચિનુ મોદી

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ?

જીવવા માટે બહાનું જોઈએ.

એક જણ સાચું રડે તો બહુ થયું

મૌન ક્યાં આખી સભાનું જોઈએ?

એક પરપોટો ઘણો સુંદર હતો,

પણ હવાને ચાલવાનું જોઈએ.

સીમમાંથી ઘર તરફ પાછા જતાં,

ક્ષણે પંખી મજાનું જોઈએ.

વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,

જીવ, તારે ચોરખાનું જોઈએ.

આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,

સાંભરણ એવી જગાનું જોઈએ.

તું કહે ત્યાં આવશે ‘ઇર્શાદ’ પણ,

એક ઢેફું ધરાનું જોઈએ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1995