mhara wicharna - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મ્હારા વિચારના

mhara wicharna

મસ્ત 'હબીબ' સરોદી મસ્ત 'હબીબ' સરોદી
મ્હારા વિચારના
મસ્ત 'હબીબ' સરોદી

પામી ગયો ઉપાય હું દુઃખના ઉતારના,

મિત્રો મળી ગયા મને મ્હારા વિચારના.

આવા જગતમાં જીવવું સહેલું હતું નહિ,

જીવી ગયો, હું આશરે તારા વિચારના.

જાણે કે મુજ નજરની શોભા હતી બધી,

બદલાઈ ગઈ નજર તો રહ્યા તે ચિતાર-ના.

સૂરજ! ઊગે તો એની તકેદારી રાખજે,

જર્રાયે થઈ ગયા છે ખુદીના વિચારના.

ઈર્ષ્યા કરે ચંદ્ર ઘડીક એના રૂપની,

શબ્દોમાં એના રૂપનો આવે ચિતાર? ના.

નજરો મહીં સવાર હતી તે જતી રહી,

આવોઃ ફસી પડ્યો છું મુખે - અંધકારના.

કરવાને માત્ર દુશ્મની રાખે છે દોસ્તી,

મિત્રો ઘણાય હોય છે એવા પ્રકારના.

કારણ જરૂર કંઈક તો છે ઈન્કિલાબનું,

પહેલાં સમા 'હબીબ' રહ્યા તે વિચારના.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 186)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4