સૌ પ્રથમ તો ક્યાં જવું છે? એટલું નક્કી કરો
sau pratham to kyan jawun chhe? etalun nakki karo
ગૌરાંગ ઠાકર
Gaurang Thakar
સૌ પ્રથમ તો ક્યાં જવું છે? એટલું નક્કી કરો
sau pratham to kyan jawun chhe? etalun nakki karo
ગૌરાંગ ઠાકર
Gaurang Thakar
ગૌરાંગ ઠાકર
Gaurang Thakar
સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
બસ, પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.
આમ તો બેઠા રહીએ તોય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?
કોઈની નજદીક આવ્યાં છો; પરંતુ આટલાં?
તાપવું કે દાઝવું છે, એટલું નક્કી કરો.
આપ-લે હૈયાંની છે; પણ એમની બે આંખમાં,
કાળજું કે ત્રાજવું છે, એટલું નક્કી કરો.
રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર પણ,
મોટા કે ઘરડા થવું છે, એટલું નક્કી કરો.
હર જનમમાં કોણ બીજું આપણી અંદર રહે?
આ વખત એ જાણવું છે, એટલું નક્કી કરો.
છે તરાપો, છે હલેસાં, ને ભરોસો છે, છતાં;
જળમાં પાણી કેટલું છે, એટલું નક્કી કરો.
સ્રોત
- પુસ્તક : કોઈ હૈયામાં ગયું લાગે છે (પૃષ્ઠ ક્રમાંક 8)
- સર્જક : ગૌરાંગ ઠાકર
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ
- વર્ષ : 2018
