satat Dholati ghatnamanthi nitarya jal sudhi phonchya - Ghazals | RekhtaGujarati

સતત ડ્હોળાતી ઘટનામાંથી નીતર્યા જળ સુધી પ્હોંચ્યા

satat Dholati ghatnamanthi nitarya jal sudhi phonchya

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
સતત ડ્હોળાતી ઘટનામાંથી નીતર્યા જળ સુધી પ્હોંચ્યા
મનોજ ખંડેરિયા

સતત ડ્હોળાતી ઘટનામાંથી નીતર્યા જળ સુધી પ્હોંચ્યા

બિલોરી કાચ જેવી પારદર્શક પળ સુધી પ્હોંચ્યા

બીડેલાં દ્વાર વરસોથી નથી થઈ ખોલવા ઇચ્છા

નહીંતર હાથ તો કૈં વાર સાંકળ સુધી પ્હોંચ્યા

અકારણ ત્યાંથી ઓચિંતા અમે પાછા વળી ચાલ્યા,

કદી પ્હેલી વખત જ્યાં ગમતીલા સ્થળ સુધી પ્હોંચ્યા

તને પામી જવા હર એક સત્યોની ક્ષિતિજ તોડી—

પછી પ્હોંચીને જોયું તો રૂપાળા છળ સુધી પ્હોંચ્યા

વટાવી મનની મૂંઝારી ને ગૂંગળામણની સીમાઓ,

ખબર શું કોઈને કે કઈ રીતે કાગળ સુધી પ્હોંચ્યા

સ્રોત

  • પુસ્તક : વરસોનાં વરસ લાગે (પૃષ્ઠ ક્રમાંક 213)
  • સર્જક : મનોજ ખંડેરિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ