santni sathe santalas aapi - Ghazals | RekhtaGujarati

સંતની સાથે સંતલસ આપી

santni sathe santalas aapi

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
સંતની સાથે સંતલસ આપી
હરીશ મીનાશ્રુ

સંતની સાથે સંતલસ આપી મજલની આખરે મિજલસ આપી

સર્વ કોલાહલોને સંકોરી મૌનની ક્ષણ મને સરસ આપી

દીર્ઘ કે હ્વસ્વમાં શું અંતર છે વર્તમાન નિત નિરંતર છે

જીવનની ક્ષિપ્રગતિની સામે સમયને ચાલના અલસ આપી

સુભાષિત રચે અવાક રહી જાણે નિજમાં અવ્યક્ત ક્યાંક રહી

ભેદ ખોલે અચલ ને ચંચલનો વાયુ પર ફૂલનું વર્ચસ આપી

હું વિચારું તો વ્યંગ વાધે છે મણિકંચનનો યોગ સાધે છે

સર્વ ધાતુને ધત્ કહેનારા પરમહંસને પારસ આપી

રેખ કાજળની રમ્ય અજવાસે શાહી પણ ઝળહળે ચિદાકાશે

તેજને વિકળ કરી મૂકે સ્હેજ વિસ્મયભર્યું તમસ આપી

અકળ કળાથી સકળ નર્તે છે જાણે મદ્યપનો લય પ્રવર્તે છે

માન એણે મુકાવ્યાં મદિરાનાં સર્વ વસ્તુમાં સોમરસ આપી

વિરહ નથી તો સંસ્મરણ ક્યાંથી એના સંસ્પર્શવિહીન ક્ષણ ક્યાંથી

ગઝલ છે પુરશ્ચરણ એનું જે ગયાં અમને અંતરસ આપી

સ્રોત

  • પુસ્તક : શબ્દમાં જિનકું ખાસ ખબરાં પડી (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સર્જક : હરીશ મિનાશ્રુ
  • પ્રકાશક : લજ્જા પબ્લિકેશન્સ
  • વર્ષ : 2011