sanj paDi gai, dhime dhime jo, aa suraj athamwano - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાંજ પડી ગઈ, ધીમે ધીમે જો, આ સૂરજ આથમવાનો

sanj paDi gai, dhime dhime jo, aa suraj athamwano

રિષભ મહેતા રિષભ મહેતા
સાંજ પડી ગઈ, ધીમે ધીમે જો, આ સૂરજ આથમવાનો
રિષભ મહેતા

સાંજ પડી ગઈ, ધીમે ધીમે જો, સૂરજ આથમવાનો

તું પણ તારે ઘરે હવે જા, હું પણ મારા ઘરે જવાનો

સૂરજની સાથે દરિયામાં દિવસ આપણો પણ ડૂબવાનો

તું પણ તારે ઘેર હવે જા, હું પણ મારા ઘરે જવાનો…

હવે આપણી વચ્ચે વહેશે અંધારું છૂટા પડવાનું

શમણાંની લહેરો પર ચાલી પાંપણને આરે મળવાનું

છૂટાં પડીશું છતાં સિલસિલો મળવાનો ચાલુ રહેવાનો...

તું પણ તારે ઘેર હવે જા, હું પણ મારા ઘરે જવાનો....

આખું ઘર ડૂબ્યું હો જ્યારે ‘કહાની ઘરઘરકી’માં ત્યારે

આવી ઊભી રે’જે છત પર, હું પણ ઊભો રહું નુક્કડ પર

પછી શુક્રનો તારો તારે મારે બસ જોયા કરવાનો....

તું પણ તારે ઘેર હવે જા, હું પણ મારા ઘરે જવાનો....

મધરાતે જો આંખ ખૂલે તો તરત તું ખોલી દેજે બારી

બહાર ઊભેલા શ્વાસો મારા વીંટળાઈ વળશે ફરતે તારી

‘જા...રે નફ્ફટ’ કહીને તારે પાલવને સરખો કરવાનો...

તું પણ તારે ઘેર હવે જા, હું પણ મારા ઘરે જવાનો...

બ્રહ્મમુહૂર્તમાં હું પણ જાગું; રાગ ભૈરવી જેવો લાગું

તું પણ જાગી હશે, વિચારું; હું ગાયત્રી મંત્ર ઉચ્ચારું

હમણાં જે ડૂબે છે સૂરજ, ફરી કાલે ઊગવાનો...

તું પણ તારે ઘેર હવે જા, હું પણ મારા ઘરે જવાનો…

કાલે પાછું જગાએ આવીને પાછા મળવાનું

સાંજનું થોડું અજવાળું સૂરજ પાસે ચોરી લેવાનું

અજવાળાંનો ‘અ’ અક્ષર, અંધારા ઉપર લખવાનો

તું પણ તારે ઘેર હવે જા, હું પણ મારા ઘરે જવાનો...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2005 (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2007