સંધ્યા! શું સૂરજને પરણી?
sandhya! shu surajne parani?
સાબિર વટવા
Sabir Vatva

સંધ્યા! શું સૂરજને પરણી?
કાયા છે કાં કંકુવરણી?
સૂની રાત્રે યાદ તમારી;
વનમાં જાણે મ્હેકી અરણી!
પાષાણોનાં અંતર દ્રવતાં;
ફૂટી ચાલી કોમળ ઝરણી.
આશા! આશા શું છે કહી દઉં?
ફંદામાં તરફડતી હરણી.
ઘૂંઘટ રાખે રાત ને દિવસ;
કેવી હશે એ લજ્જાવરણી!
ઉચ્ચ ગગન પર રણક્યાં ઝાંઝર;
નાચી ઊઠી આખી ધરણી.
'સાબિર' જેની આણ સ્વીકારે,
કોણ હશે એ જાદુગરણી?



સ્રોત
- પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 141)
- સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
- વર્ષ : 2024
- આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ