યશોદા કાન્હ તારાએ ગજબ રસ્તે મચાવ્યો છે
yashoda kahn taraa gajab raste machavyo chhe
મસ્તાન
Mastan

યશોદા કાન્હ તારાએ ગજબ રસ્તે મચાવ્યો છે,
મઝા લુંટે કુંવર કાલો સતાવી શોર મચાવ્યો છે.
સખી વૃજની મળી જાતી મહી દૂધ વેચવા ગોકુળ,
કરી આડાઈને ઘેરી ઘરે સન્દેશ આવ્યો છે.
અડપલાંમાં મઝા માને ધરે ના વિનતિ કાને,
પરીઓને પટાવાને જનમ એણે ધરાવ્યો છે.
પછાડી કોઈને ઝટકી ને ફોડી કોઈની મટકી,
શરમ ના કોઈની ખટકી બધો ગોરસ લુંટાવ્યો છે.
નહીં ભુખ્યો એ ગોરસનો અરે એને પડ્યો ચસ્કો,
એ માગે દાન યૌવનનું નવો કર એ લગાવ્યો છે.
ચઢાવે ચિત્ત ચકડોળે કરીને નાદ બંસીનો,
અરે એ વાલકાએ તો અજબ જાદુ લગાવ્યો છે.
આવે શ્યામના શરણે ઘેલી ગોપીઓ દોડી,
બધા મસ્તાન ઘેલાને અધર ઘનશ્યામ ભાવ્યો છે.



સ્રોત
- પુસ્તક : મસ્તાની (પૃષ્ઠ ક્રમાંક 19)
- સર્જક : ત્રિપુરાશંકર બાલાશંકર કંથારિયા (મસ્તાન)
- પ્રકાશક : સુમન પ્રકાશન
- વર્ષ : 1970