sanamni yari - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સનમની યારી

sanamni yari

કલાપી કલાપી
સનમની યારી
કલાપી

ચારી કરૂં ત્હારી? કરૂં યા ના? સનમ!

કોઈ ખુવારીથી ડરૂં યા ના સનમ!

તુજ તાજ કાંટાનો ઉપાડી લે, સનમ!

ખુને ઝરે કૈં આલમો, ત્યારે સનમ!

છે સોઈ તુંને કે નહીં દિલદારની?

તુને નઝર દિલ કરૂં યા ના? સનમ!

કોઈ દિવાનો મસ્ત હો, લાચાર હો,

તેને રઝા દરબારમાં યા ના? સનમ!

મ્હારે ટકોરે દ્વાર ખુલ્લે કે નહીં,

તુને પુકારૂં શેરીએ યા ના? સનમ!

છે શોખ મિજમાનો ફકીરોના યા!

કૈં ઝિદ કરૂ દરવાનથી યા ના? સનમ!

તકલીફની પરવા પીવા આવતાં,

હાથે મગર તું પાય છે યા ના? સનમ!

લાખો જવાહિરો જહાં તુને ધરે,

રાની કરૂં ત્યાં ગુલ રુજુ યા ના? સનમ!

જ્યાં લાખ ચશ્મો ચૂમતાં ત્હારા કદમ,

ત્યાં ભેટવા દોડું તને યા ના? સનમ!

નાલાયકી ને બેવકૂફી યારની!

ત્યાં તું શરાબીમાં ભળે યા ના? સનમ!

શાહી ફકીરીથી ભળી જાણી નહીં,

દિલ ત્હોય ચાહે ચાહવું યા ના? સનમ!

જોઈ તને ચશ્મે ઝરે છે ખૂન તે,

ત્યારી હિનામાં રડવું યા ના? સનમ!

તું છે બધુઃ હું કાંઈ છું ના, મગર.

યારી કરૂં ત્હારી? કરું યા ના? સનમ!

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કેકારવ (પૃષ્ઠ ક્રમાંક 506)
  • સર્જક : સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2015