શું બોલીએ?
shun boliiye?
રમેશ પારેખ
Ramesh Parekh

શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ?
ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ?
બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસવીરમાં, શું બોલીએ?
આવડી નહીં ફૂંક ફુગ્ગાઓમાં ભરવાની કલા
બહુ બહુ તે શ્વાસ ભરીએ શ્વાસમાં, શું બોલીએ?
ત્રાજવે તોળ્યા તો એ નખશિખ હલકા નીકળ્યા
શખ્સ-જે રહેતા હતા બહુ ભારમાં, શું બોલીએ?
બોબડી સંવેદના ઉકલી નહીં છેવટ સુધી
એટલે ઢોળાઈ ગઈ આ શાહીમાં, શું બોલીએ?
લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે, રમેશ
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ?



સ્રોત
- પુસ્તક : વિતાન સુદ બીજ (પૃષ્ઠ ક્રમાંક 20)
- સર્જક : રમેશ પારેખ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1989