સખાવત પ્રસિદ્ધિના ચરણે પડી છે
sakhaavat prasiddhinaa charne padii chhe
શબનમ ખોજા
Shabnam Khoja
સખાવત પ્રસિદ્ધિના ચરણે પડી છે
ગરીબોની લાચારી છાપે ચડી છે!
નડે ફૂલને જે રીતે એની ખુશ્બુ
મને એમ મારી ભલાઈ નડી છે.
તમે મૌનનો મહિમા ઝાઝો ગણો, પણ
આ સંવાદ સગપણની પોષણકડી છે.
ઘડી બે ઘડીમાં ફરી જાશે પાનું,
હો સુખ કે હો દુઃખ બસ ઘડી બે ઘડી છે.
આ સૂમસામ રસ્તા ને ભેંકાર ગલીઓ
નગરને શું મારી ઉદાસી અડી છે?
તને પણ હું જીવું છું મારી કથામાં
કથા બેવડી તો વ્યથા બેવડી છે!
સ્રોત
- પુસ્તક : પદ્ય : એપ્રિલ-જૂન ૨૦૨૧ અંક ૧૦ (પૃષ્ઠ ક્રમાંક 47)
- સંપાદક : રવીન્દ્ર પારેખ
- પ્રકાશક : રવીન્દ્ર પારેખ