sambharya wina - Ghazals | RekhtaGujarati

સંભાર્યા વિના

sambharya wina

વિશ્વરથ વિશ્વરથ
સંભાર્યા વિના
વિશ્વરથ

સ્વપ્નમાં શું કોઈ હાજર થાય સંભાર્યા વિના?

દિલ મહીંથી જાય શું કોઈ તિરસ્કાર્યા વિના?

રૂપ અદ્ભુત કે સોહાય શણગાર્યા વિના,

જેમ ઓપે આંખ, કાજળ આંખમાં સાર્યા વિના!

આથમે છે સૂર્ય ક્યારે ભર્ગ વિસ્તાર્યા વિના?

જાય છે શું ચંદ્ર ધરતીનું હૃદય ઠાર્યા વિના?

દિગ્વિજય કોણે કર્યા સંહાર સ્વીકાર્યા વિના?

કોણ મુક્તિને વર્યું સર્વસ્વને હાર્યા વિના?

હે નયન! બળતા હૃદયને અશ્રુથી તું શાંત કર,

વિશ્વમાં કોઈ ઠર્યું છે કોઈને ઠાર્યા વિના?

તન જુદાં પણ એક છે દિલ એમ ક્યાંથી કહી શકો?

બેઉની દિલમાં પરસ્પર મૂર્તિ કંડાર્યા વિના?

ખોળવાની ખેવના છે તો પ્રથમ ખોવાઈ જા!

સાધના ફળતી નથી ક્યારેય મન માર્યા વિના!

કાં સુકાની આમ શૂન્યમનસ્ક થઈ બેસી રહ્યો?

કેમ ભવસાગર તરાશે નાવ હંકાર્યા વિના?

સભા છે મૌનની ખ્યાલમાં હોવા છતાં-

કાં રહ્યો ના 'વિશ્વરથ' તું ગીત લલકાર્યા વિના?

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4