luntaya - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સમયના કાફલા સાથે રહીને શ્વાસ લૂંટાયા,

સિતારાઓ કરી આકાશથી સહવાસ લૂંટાયા!

ધરા મસ્તક ધૂણાવીને કરી દે છે ચૂરેચૂરા,

ગિરિવર પણ કરીને કાળનો ઉપહાસ લૂંટાયા!

સલામત તેજના તણખા હતા ઘનઘોર અંધારે,

પરંતુ ભ્રમના જાળામાં કરી અજવાસ લૂંટાયા!

ઉઘાડાં દ્વાર રાખ્યાં તો જરા પણ આંચ આવી.

કર્યો દરવાન પર વિશ્વાસ ત્યારે ખાસ લૂંટાયા!

હકીકતની મઢૂલીથી મળ્યાં મોતી મહામૂલાં,

મહલમાં કલ્પનાઓના કરીને વાસ લૂંટાયા!

વસાવ્યો દૂર તણખાથી માળા પર પડી વીજળી,

બચ્યા જો એક બાજુથી તો ચારેપાસ લૂંટાયા!

પરાજિત થૈને વાદળથી વદન ઢાંકી દીધું સૂર્યે,

ચઢાવી સત્યને ફાંસી ઉપર ઇતિહાસ લૂંટાયા!

સમજદારી, ખબરદારી ને હુંશિયારી હતી કિન્તુ;

નવાઈ છે કે લૂંટવાનો કરી અભ્યાસ લૂંટાયા!

હૃદય પર એટલે તો રંજની રેખા પડી ગઈ છે

જમાના પર કરીને આંધળો વિશ્વાસ લૂંટાયા!

સ્રોત

  • પુસ્તક : નજાકત (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સર્જક : અંબાલાલ ડાયર
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1988