kaphan pan na pamya dulara - Ghazals | RekhtaGujarati

કફન પણ ન પામ્યા દુલારા

kaphan pan na pamya dulara

જમિયત પંડ્યા 'જિગર' જમિયત પંડ્યા 'જિગર'
કફન પણ ન પામ્યા દુલારા
જમિયત પંડ્યા 'જિગર'

અને જિન્દગીનાં ઘણાં અર્ધસત્યો,

ચિરંતન ગણીને ચણ્યા'તા મિનારા;

પરંતુ દિશાહીન શ્રદ્ધા ડૂબે છે,

મળ્યા ના સમંદર મહીં ક્યાંય આરા.

ઝૂરે છે નયન, પ્રાણ તડપી રહ્યા છે,

મિલનની ઘડી જાય છે આવનારા!

હવે વાર કરવી નકામી છે જ્યાં,

છૂપા કાળ કરતો રહ્યો છે ઇશારા.

ભટકતો રહ્યો છું મહારણ મહીં હું,

તૃષાતુર કંઠે લઈ કાળ કાંટા;

મળ્યા તો મળ્યા સાવ જૂઠા સહારા,

પડ્યા તો પડ્યા ઝાંઝવાંથી પનારા.

અમે કૈંક જોયા નજરની સામે,

ચમકતા હતા જેમના ભાગ્ય-તારા;

પરંતુ પતન જ્યાં થયું ત્યાં બિચારા,

કફન માપસરનું પામ્યા દુલારા.

કદાચિત મળી જાય મોતી અમૂલાં,

લઈ આશ મઝધાર આવ્યા હતા, પણ

નિહાળ્યું સમંદરનું રેતાળ હૈયું,

અને દૂર દીઠા છલકતા કિનારા.

પરાયા બનીને નિહાળી રહ્યા છે,

અમારા જીવનની હરાજીના સોદા;

અને તેય જાહેરમાં જે સ્વજનને

અમે માનતા’તા અમારા-અમારા.

'જિગર' કોઈની ના થઈ ને થશે ના,

સમયની ગતિ છે અલૌકિક - અજાણી;

અહીં કૈંક સંજોગના દોરડાંથી

નથાઈ ગયા કાળને નાથનારા.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4