sama malyan to emni najro Dhali gai - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સામા મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ

sama malyan to emni najro Dhali gai

આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી
સામા મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ
આદિલ મન્સૂરી

સામા મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,

રસ્તા મહીં આજ તો મંજિલ મળી ગઈ.

સાચે મીણ જેવી હતી મારી જિંદગી,

દુખનો જરાક તાપ પડ્યો, ઓગળી ગઈ.

મારાથી તો આંસુ વધુ ખુશનસીબ છે,

જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ.

કહેતી ફરે છે બાગમાં એકેક ફૂલને,

તુજ આગમનની વાત હવા સાંભળી ગઈ.

મન કલ્પનામાં ચૌદે ભુવન ઘૂમતું રહ્યું,

દૃષ્ટિ ક્ષિતિજ સુધી ગઈ પાછી વળી ગઈ.

‘આદિલ’ ઘરેથી નીકળ્યો મિત્રોને શોધવા,

દુશ્મની, તું રાહમાં ક્યાંથી મળી ગઈ.

સ્રોત

  • પુસ્તક : મળે ન મળે (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : આદિલ મન્સૂરી
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1996