na banyun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શું મૃત્યુ આપવાનુંયે ઈશ્વરથી ના બન્યું,

એક કાચ તોડવાનું પથ્થરથી ના બન્યું.

મિસ્કીનથી જે બન્યું તે તવંગરથી ના બન્યું,

આંસુ કરી શક્યાં છે જે ગૌહરથી ના બન્યું.

‘‘પાલવ શું ઝાલશો?’’ કહ્યું સાકીએ રીસથી,

એક જામ ઝાલવાનું જો મુજ કરથી ના બન્યું.

તારી સભાથી હું કાં બાકાત રહી ગયો?

ગાગર સમાવવાનું શું સાગરથી ના બન્યું?

સોમલ પીધાં પરંતુ બદલ્યો કદી રંગ,

પણ કર્યું છે કામ જે શંકરથી ના બન્યું.

માણું છું હું બહાર તરંગો કરી-કરી,

મુજ મનને કેદ કરવાનું પીંજરથી ના બન્યું.

અંતે ધરા તજી દઈ ચાલ્યો ગયો 'સુમન',

બિંદુની જેમ રહેવું સમંદરથી ના બન્યું.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4