sakine thapko - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાકીને ઠપકો

sakine thapko

કલાપી કલાપી
સાકીને ઠપકો
કલાપી

સાકી, જે શરાબ મને દીધો દિલદારને દીધો નહીં;

સાકી, જે નશો મુજને ચડ્યો દિલદારને ચડ્યો નહીં.

મુજ ચશ્મમાં ચરખો ફરે, કદમે બદન લથડી પડે;

દિલદાર તો મલક્યા કરે, નકી યારને પાયો નહીં.

આશક અને માશૂકને, પાવો એક જામે ને સીસે;

પાવો એક હાથે સાકીએ, ઈન્સાફ તેં કીધો નહીં.

મારી ગઈ શરમે બધી, દિલદાર હુજ્ર્ મહીં હજી;

તારી બની ખાલી સીસી, પાવાય તેં રાખ્યો નહીં.

સરખાં બને બન્ને જરા, ત્યાં તો શરાબીની મઝા;

ઊલટી કરી તેં તો સજા, નયને સનમ ખેલી નહીં.

મુજ ખૂન કૂદી રહે, દિલદારનું થંડું બને;

મુજને ચડે ત્યાં ઊતરે, કાંઈ મઝા આવી નહીં.

રાત પહેલી વસ્લની, માશૂકના ઈન્કારની;

ત્યાં બેવકૂફી તેં કરી, તુજ જામ કાં ફૂટ્યું નહીં?

ના રોશની ગાલે ચડી, જરી ના લબે સુરખી પડી;

ઘેરી બની ના આંખડી, દિલ યારનું જામ્યું નહીં.

પહોર ચાર રાતના, કંઈ વાયદા વીત્યે મળ્યા;

કંઈ હોંશથી જિગરે જડ્યા, તેની કદર તુંને નહીં.

ના ખેંચ આશક તો કરે, માશૂકને પાવો પડે;

ના સાકીએ પીવો ઘટે, તેં કાયદો પાળ્યો નહીં.

જોઈ સનમને રૂબરૂ, ઘેલો હતો પૂરો હું;

પાયો ફરી, પીતો તું, પણ યારને પાયો નહીં.

વાય ફજ્ર તણી હવા, મુજ રાત વીતી મુફતમાં;

દિલદાર ઊઠે જવા, બે સુખન બોલી નહીં.

જો આવશે કો દી સનમ, તો લાવશે આંહીં કદમ;

તું રાખજે ભાઈ, રહમ; ગફલત ઘટે આવી નહીં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942