pyar nahi raheshe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્યાર નહિ રહેશે

pyar nahi raheshe

બેફામ બેફામ
પ્યાર નહિ રહેશે
બેફામ

પ્યાર નહિ રહેશે, તો ભક્તિનો સહારો રાખશું,

દિલરૂબા તૂટી જશે, તો એકતારો રાખશું.

રાતની આગળ અમારા અંધકારો રાખશું,

રાતની પાછળ બીજા માટે સવારો રાખશું.

આપણે તો દિલ, ચમનથી રણ મહીં આવી ગયા;

મોસમો જો આવશે તો ક્યાં બહારો રાખશું?

લઈ લીધો તેં હાથમાંથી હાથ, એની યાદમાં,

હસ્તરેખામાં હવે એનો ઘસારો રાખશું.

કોઈ સ્થળનો ભેદ શો તારી સભા છોડ્યા પછી?

જ્યાં જ્યાં મળશે આશરો, ત્યાં ત્યાં ઉતારો રાખશું.

એમ તો આખી પૃથ્વી પ્રાણને ઓછી પડે,

પણ અમે બસ પંડનો પૂરતો પથારો રાખશું.

જો મજા બેફામ ના આવે, તો બદલી તો શકાય;

એટલે એક નહીં, બેત્રણ મઝારો રાખશું.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર બરકત વિરાણી ‘બેફામ’ (પૃષ્ઠ ક્રમાંક 534)
  • સંપાદક : રમેશ પુરોહિત
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2023