tane moDethi samjashe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તને મોડેથી સમજાશે

tane moDethi samjashe

જિગર જોશી જિગર જોશી
તને મોડેથી સમજાશે
જિગર જોશી

સમી સાંજે ઝૂકી આંખે બગીચે બાકડે બેસી અને એકાંત પી જાવું... તને મોડેથી સમજાશે

સમયસર ચાલવા જાવુ. ઉદાસી ઢાંકવા જાવું અને ટોળે ભળી જાવું... તને મોડેથી સમજાશે

અજાણી સફર વચ્ચે અરીસાના નગર વચ્ચે ગમતી સૌ નજર વચ્ચે અને આઠે પ્રહર વચ્ચે

મળીને જાતને સામે જરા અમથુ હસી લઈને ખુદીને છેતરી જાવું... તને મોડેથી સમજાશે

ઘણાં વરસો પછી એવું બને ગમતી ગલીમાંથી સહજ રીતે નીકળવાનું બને ધબકાર જૂના લઈ

પછી મનગમતો ત્યાંથી સાદ આવે યાદનો વરસાદ આવે પણ, ફરી જાવું... તને મોડેથી સમજાશે

લઈ તિરાડ ચહેરા પર ધ્રુજારી હાથમાં લઈને, સમયના ફૂલની ખુશ્બૂ સતત શ્વાસમાં લઈને

સફેદી થઈ અરીસે જઈ ધરીને મૌન હોઠો પર નજરથી કરગરી જાવું... તને મોડેથી સમજાશે

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.