sabhar surahi - Ghazals | RekhtaGujarati

સભર સુરાહી

sabhar surahi

રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શુક્લ
સભર સુરાહી
રાજેન્દ્ર શુક્લ

સભર સુરાહી લલિત લચક કટિ, કોમલસ્કંધા ગઝલ,

વનવન ભમતાં મિલત અતર્કિત યોજનગંધા ગઝલ.

લખચોરાશી લખત લખત ચખ વેધત રે લખ સકલ,

અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ.

ચાક ગરેબાં, બેબાક દિશાઓ દામન દર દર ઊડે,

અષ્ટ પાશ આકાશ ઉડાવત ત્રૂટિતફંદા ગઝલ.

સાંસ ઉસાંસ ચલાવત છૂવત ઝિલમિલ સાતોં ગગન,

વિહંસ વિહંસ કરતાલ નચાવત ગાવત બંદા ગઝલ.

કઁહ લગ રૂઠો, માન કરો અતિ, મુખ મચકોડો અલગ,

સૂર મિલાવી ગાઓ, પ્રિયજન! સત્-ચિત્-નંદા ગઝલ.

સ્રોત

  • પુસ્તક : લઘુ ગઝલસંહિતા (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સર્જક : રાજેન્દ્ર શુક્લ
  • સંપાદક : અનિરુદ્ધસિંહ ગોહિલ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022