rashel - Ghazals | RekhtaGujarati

અખંડ એક ધાર અજબ કો વહી રહી,

ખુલી ખુદાઈ ત્યાં જુદાઈ કો નહીં રહી!

ભીંજાય સકળ ખલક ત્યાં ઝલક કો જુદી,

કરોડ આંખ નૂર તે એક ગ્રહી રહી!

અનંતમાં ઝગી રહ્યા અગણિત તારલા,

આંખ તેની કો કથા જુદી કહી રહી!

સૂર્ય જ્યોતિ જેવું કો ચંદ્રિકા સમું,

અનામી નૂર એવું ખલક સૌ ચહી રહી!

રસે રસાય જ્યાં બધું સમરસે શમી,

આભ અવનિ કેરી ભિન્નતા તહીં રહી!

દિવસ, રાત, કાળ, સ્થાન, રંગ, રૂપ કો;

અખંડ એકતાર લહર મહીં રહી!

ધગે ધોમ કે ભોમ શીતથી ધ્રૂજે,

તૂટેલ તારને થીજી દહી રહી!

અનંત વિશ્વમાં સમાય દેવજ્યોતિ એ,

દશે દિશાથી સ્નેહધોધ શી સહી રહી!

ડૂબ્યાં પ્રપૂર્ણ રસે, તર્યાં તે બધાં,

અચૂક અમર બુટ્ટી એવી છે જહીં રહી!

ઉતારી દેહપટ જુઓ બધું બ્રહ્મ આ!

અદલ જુદાઈ ત્યાં પછી કોની કહીં રહી?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942