બસ હીઝ્રમાં કાઢી વિના દીલબર તમામ રાત
bas hijhrman kadhi vina dilbar tamam rat
મસ્તાન
Mastan

બસ હીઝ્રમાં કાઢી વિના દીલબર તમામ રાત,
ગુજરી જે કંઈ ગુજરી ગઈ મુજ પર તમામ રાત.
રહું હું યાદ કદમમાં એના તો ખ્યાલમાં,
જોયા કરૂં હું સરૂ ને સનુબર તમામ રાત.
સુવો છો આપ ચેતનમાં ગુલોંની સેજ પર,
સુતો નથી હું કાલનો દીનભર તમામ રાત.
રહે છે જાન ધ્યાન સૌ હમારાં આપમાં,
ભૂલું ન આપ કાનનું ગૌહર તમામ રાત.
વસ્લનો મુસ્તાક હું મહરૂમ રહી ગયો,
ગાયબ ક્યાં રહ્યાં હો સીતમગર તમામ રાત.
સુવાનું ક્યાં મળે તું તસબરમાં અયે પરી,
આતીશ શયેર હું પઢું અસર તમામ રાત.
મસ્તાન કાઢી મરી, વિના દીલબર તમામ રાત,
રગડ્યાં કર્યું ગરદન ઉપર ખંજર તમામ રાત.



સ્રોત
- પુસ્તક : મસ્તાની (પૃષ્ઠ ક્રમાંક 52)
- સર્જક : ત્રિપુરાશંકર બાલાશંકર કંથારિયા (મસ્તાન)
- પ્રકાશક : સુમન પ્રકાશન
- વર્ષ : 1970