માણસ ઊભો કરવો છે
maanas ubho karvo chhe
જિત ચુડાસમા
Jit Chudasama

જાતપગેરું શોધે એવો માણસ ઊભો કરવો છે.
પડછાયાનો પીછો છોડી, ખુદનો પીછો કરવો છે.
નીકળે તો સામેવાળાની આંખોમાંથી પણ નીકળે;
આંસુ માટે મારે એવો સીધો રસ્તો કરવો છે.
એ પોતે કણસે છે અંધારાના કાળા કળતરથી;
જેની હેઠે અજવાળું હો, એવો દીવો કરવો છે.
સુકાન તારા હાથોમાં છે, એ બાબતની ફિકર નથી;
મારે કેવળ તેં પકડેલો નકશો સીધો કરવો છે.
એણે બંધ કર્યો છે આ બાજુનો એકએક રસ્તો પણ,
મારે એ બાજુનો એક જ રસ્તો ખુલ્લો કરવો છે.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ