rasto nathi jaDto - Ghazals | RekhtaGujarati

રસ્તો નથી જડતો

rasto nathi jaDto

શૂન્ય પાલનપુરી શૂન્ય પાલનપુરી
રસ્તો નથી જડતો
શૂન્ય પાલનપુરી

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો;

અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.

તમારા મનને જીતી લો તો હું માનું, “સિકંદર છો”,

નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.

સદા સંસારીઓ પર શ્રાપ છે સંતાપ સહેવાનો;

ધરાથી દૂર ઉડનારાને પડછાયો નથી અડતો.

બનાવીને સુરાલયનો ખુદા એને કરું સજદા!

બતાવો એક પણ એવો, નશો જેને નથી ચડતો!

નજર હો તો બતાવે છે બધું શ્રદ્ધા જ ઘર બેઠાં,

ફરે છે બાવરો થઈ શૂન્ય કાં જંગલમાં આથડતો?

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – સંપુટ 4 – ‘શૂન્ય’ પાલનપુરીનાં ચૂંટેલાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : રાજેન્દ્ર શાહ
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1982