અમૃત ઘાયલ
Amrut Ghayal
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઈ મનમાં મરી જવાના!
નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિંધુ તરી જવાના.
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના!
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.
છોને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના!
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના.
મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના.
એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.
સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ!
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.
અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે!
ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના!
યાંત્રિક છે આ જમાનો, ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના.
દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં - અમૃત ઘાયલના ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 24)
- સંપાદક : જયન્ત પાઠક
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
- વર્ષ : 1981
