rang lagyo chhe - Ghazals | RekhtaGujarati

રંગ લાગ્યો છે

rang lagyo chhe

મનુભાઈ ત્રિવેદી મનુભાઈ ત્રિવેદી
રંગ લાગ્યો છે
મનુભાઈ ત્રિવેદી

ખબર તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,

મળે છે તે સહુ ક્હે છે, મજાનો રંગ લાગ્યો છે.

ભલે ના ના કહો, એના વિના ન્હોયે ચમક આવી,

તમે મારું કહ્યું માનો માનો, રંગ લાગ્યો છે.

મલકતું મોં અને ચમકી જતી આંખો કહી દે છે,

ભલે છૂપી રાખો વાત, છાનો રંગ લાગ્યો છે.

નથી લાલાશ આંખોમાં હૃદય કેરી બળતરાથી,

પડ્યા ચરણોમાં એના કે હિનાનો રંગ લાગ્યો છે.

અહીં ને ત્યાં, બધે એક સમંદર રંગનો રેલે,

કહેશે કોણ, કોને કેની પાનો રંગ લાગ્યો છે?

થયો રંગીન વાતો લાવતો ગઝલોમાં તું ‘ગાફિલ’!

તને અંજુમન કેરી હવાનો રંગ લાગ્યો છે.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 454)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007