ankho ugami - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આંખો ઉગામી

ankho ugami

અંબાલાલ ડાયર અંબાલાલ ડાયર
આંખો ઉગામી
અંબાલાલ ડાયર

ઊભી હોય નેકી બદી સામસામી.

કહે કોણ કોને અહીં નેકનામી!

ખબર છે કે છે નામનો નાશ તેથી,

અમરતા ધરીને રહીશું અનામી.

લઈ ના શક્યો નોંધ ઇતિહાસ જેની,

જમાનાએ એને આપી સલામી.

નથી હારમાં ભાગ્યનો દોષ હોતો,

રહી હોય છે યત્નમાં કૈંક ખામી.

ફૂલોને મૂકી છાબમાં બાગબાંએ,

ચમનમાંથી કાઢી ફૂલોની નનામી.

હવાનો મળ્યો એક હળવો સહારો,

ચરણરજ ઊડી મસ્તકે સ્થાન પામી.

પરાજય આપી શક્યાં શસ્ત્રથી તો—

લડ્યાં મદોન્મત્ત આંખો ઉગામી.

હિમાયત કરી મુક્તિની જેમણે; એ,-

સ્વીકારી ગયા છે પ્રણયની ગુલામી.

વિષમ કાળમાં કામ આવ્યા અનુભવ,

જીવનમાં નથી કોઈ વસ્તુ નકામી.

જવાનીની ‘ડાયર' રમતને શું કહેવું?

કહીં દાવ ખેલ્યા, કહીં પ્રીત જામી.

સ્રોત

  • પુસ્તક : અંગડાઈ (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સર્જક : અંબાલાલ ડાયર
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1963