rahe maru jivan jo ek j dasha ma - Ghazals | RekhtaGujarati

રહે મારું જીવન જો એક જ દશામાં

rahe maru jivan jo ek j dasha ma

ગની દહીંવાલા ગની દહીંવાલા
રહે મારું જીવન જો એક જ દશામાં
ગની દહીંવાલા

રહે મારું જીવન જો એક જ દશામાં,

હવેથી ચમનમાં બહારો ન આવે,

વિખૂટી પડે રાત-દિવસની જોડી,

કદી સાંજ પાછળ સવારો ન આવે.

ઘડીભર પ્રકાશી પડ્યો જે ધરા પર,

ગગનમાં ફરી એ સિતારો ન આવે,

બને તો તમે પણ મને જાવ ભૂલી,

મને પણ તમારા વિચારો ન આવે.

મળ્યું છે જીવન આજ તોફાન ખોળે,

ચહું છું દુઃખદ અંત મારો ન આવે,

ઓ મોજાંઓ, દોડો, જરા જઈને રોકો,

ધસી કંઈ વમળમાં કિનારો ન આવે.

મહોબ્બત પ્રથમ ધર્મ છે જિંદગીનો,

મહોબ્બત વિના કોઈ આરો ન આવે,

સતત ચાલવું જોઈએ એ દિશામાં,

જો થાકી ગયા તો ઉતારો ન આવે.

કોઈને હું પામી ગુમાવી ચૂક્યો છું,

જગતથી ભરોસો ઉઠાવી ચૂક્યો છું,

ખુશીથી જજે જિંદગી તુંય ચાલી,

તને જ્યારે વિશ્વાસ મારો ન આવે.

હતું કોણ સાથે અને ક્યાં હતો હું,

ન કહેજે કોઈને ભલી ચાંદની તું,

સિતારા કરે વાત ગઈ રાતની તો,

કહેજે કે ઉલ્લેખ મારો ન આવે.

‘ગની’, મારી રાતોના દિવસ ફરે તો,

ફરી જાય આ પ્રકૃતિની પ્રથા પણ,

ચમનમાં જણાયે ન અશ્રુનાં ચિહ્નો,

પછી રક્તવર્ણી સવારો ન આવે.

સ્રોત

  • પુસ્તક : હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : ભગવતીકુમાર શર્મા, રવીન્દ્ર પારેખ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2009