raat to juo! - Ghazals | RekhtaGujarati

રાત તો જુઓ!

raat to juo!

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
રાત તો જુઓ!
અમૃત ઘાયલ

નભ છે કે અંધકારનું વન! રાત તો જુઓ!

તારક છે કે સરપનાં નયન! રાત તો જુઓ!

ફંગોળતી ફરે છે ગવન! રાત તો જુઓ!

ધમરોળતી રહે છે ગગન! રાત તો જુઓ!

કરવા ક્યાં દીએ છે ગમન! રાત તો જુઓ!

ગૂંચળું વળી પડયો છે પવન! રાત તો જુઓ!

તમિસ્રના તળાવની પાળે ખડી ખડી,

વેરી રહી છે ઊજળું ધન! રાત તો જુઓ!

સમડી સમયની આડ લઈ અંતરિક્ષની,

ચૂંથી રહી છે વિશ્વનું મન! રાત તો જુઓ!

કોલાહલો શ્વસે છે ઉડુગણની આંખમાં!

આવે તો કયાંથી આવે સ્વપ્ન! રાત તો જુઓ!

કીધો નથી પ્રભાતે હજી સ્પર્શ તો પણ

ચોરી રહી છે કેવું બદન! રાત તો જુઓ!

‘ઘાયલ’ મલીર ઓઢણી ઓઢી દિવસ તણું,

સીવી રહી છે શ્વેત કફન! રાત તો જુઓ!

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981