hakumat wina pan - Ghazals | RekhtaGujarati

હકૂમત વિના પણ

hakumat wina pan

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
હકૂમત વિના પણ
અમૃત ઘાયલ

અણુશક્તિની બોલબાલાના સોગન,

ગજબની જમાનેય હિંમત કરી છે;

કરી છે નવી શોધ આફતની જગમાં,

કયામતની પ્હેલાં ક્યામત કરી છે.

જીવન સ્વપ્ન છે જૂનાં પરંતુ,

નવેસરથી એવી મરામત કરી છે;

શિકલ બદલી ગઈ છે ખંડેર કેરી—

તમે પણ કહેશો કરામત કરી છે.

ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી,

અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;

શરાબીની યૌવનમાં સોબત કરી છે—

ફકીરોની ગઢપણમાં ખિદમત કરી છે.

કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ

નથી પાછી પાની કરી કોઈ પંથે;

મહોબત કહો તો મહોબત કરી છે—

બગાવત કહો તો બગાવત કરી છે.

જુવાનીના દિવસો રંગીન રાતો,

ખુવારી મહીં ખુમારીની વાતો;

સદીઓ અમે બાદશાહી કરી છે

હકૂમત વિના પણ હકૂમત કરી છે.

કહી દંભીઓને સમજાવે એને,

કંઈ બંડ પાછું પોકારી બેસે.

કહે છે જવાનોએ ચોંકાવનારી;

ફરી એકઠી કંઈ હકીકત કરી છે.

મુબારક તમોને ગુલોની જવાની,

અમોને તોલો તણખલાની તોલે!

અમે બુલબુલ છીએ જેમણે

ચમનની હંમેશાં હિફાજત કરી છે.

નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા,

રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;

અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં,

વતનમાંથી જાણે કે હિજરત કરી છે.

અવર તો અવર પણ કદરદાન મિત્રોય,

રાખે છે વર્તાવ એવો અમોથી;

પરાયા વતનમાં અમે આવી જાણે,

ફિરંગીની પેઠે વસાહત કરી છે.

પરાયા પસીનાનો પૈસો છે, 'ઘાયલ',

કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે !

કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી,

દલિતોની દૌલત ઉચાપત કરી છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4