પ્યાર મારી નાખશે
Pyar Mari Nakhshe
શલ્ય મશહદી
Shalya Mashahadi

વેદના, નિઃશ્વાસ, આંસુ, પ્યાર મારી નાખશે!
જિંદગી સુંદર છે પણ આ 'ચાર' મારી નાખશે!
આ નજર, આ પાંપણોની ધાર મારી નાખશે!
આપનાં આ તીર ને તલવાર મારી નાખશે!
પ્રેમીઓ તો બેઉ રીતે પ્રેમમાં થાશે ખુવાર,
જીતશે તો જીત નહિતર હાર મારી નાખશે!
ભેદના પણ ભેદ પામે માનવી તો શું થયું?
એક દિ' ભેદનો ભંડાર મારી નાખશે!
પ્રેમીઓને મારવા શસ્ત્રોની હોયે શી જરૂર?
એક મીઠો પ્રેમનો ઉદ્ગાર મારી નાખશે!
જીવવા દે તો ખરું નહિતર પછી કે'તો નથી,
આ તમારી આંખડીનો પ્યાર મારી નાખશે!
વ્યોમ પર પંખી ભલે ઊડતું રહે, ઊડતું રહે!
એક દિ' આ વ્યોમનો વિસ્તાર મારી નાખશે.
જ્ઞાનીઓ જો જ્ઞાનની સીમા થકી આગળ જશે,
પામવાની પાર પણ એ પાર મારી નાખશે.
‘શલ્ય’, આ કળિયુગમાં સતયુગ જેવું આચરણ,
નોંધ ક૨! તારા તને સંસ્કાર મારી નાખશે.



સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 221)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર.
- વર્ષ : 1961